Ahmedabad :પહેલી પત્નીને મનાવી પરત લાવે, તો વારસાઈમાં જમીન મળશે, બસ આટલી વાતમાં સાસુએ જ પુત્રવધુની કરી હત્યા
પહેલી પત્નીને મનાવી પરત લાવે, તો વારસાઈમાં જમીન મળશે, બસ આટલી વાતમાં સાસુએ જ પુત્રવધુની કરી હત્યા
અમદાવાદ ગ્રામ્યના કુહા ગામે 28 તારીખના રોજ મિતલબેન ડાભી નામની મહિલાનો મૃતદેહ ઘર પાસે આવેલી પાણીની ટાંકીમાંથી મળી આવ્યો હતો. જે અંગે તપાસ કરતા મિત્તલની સાસુ વીણાબેન ડાભીએ પોલીસને હકીકત જણાવી કે, તેમની પુત્રવધુ મિત્તલ પાણી ભરવા માટે મોટર ચાલુ કરતા તેને કરંટ લાગ્યો અને માથામાં ઇજા થતા તેનું મૃત્યુ નિપજ્યું છે.
ઉલટ પુછપરછ કરતા હકીકત સામે આવી
જોકે પોલીસને પહેલેથી જ શંકા હોવાથી મૃતદેહનો પોસ્ટમોર્ટમ કરાવતા હત્યા માથામાં ગંભીર ઇજાઓ પહોંચવાથી થઈ હોવાનું સામે આવ્યું. જેથી બનાવ સમય હાજર વીણાબેનની ઉલટ પુછપરછ કરતા હકીકત સામે આવી કે, સાસુએ પુત્રવધુને પાણીની ટાંકીમાં ધક્કો મારી દીધો હતો અને બાદમાં ઇંટોથી મારીને તેની હત્યા કરી હતી.
પોલીસ તપાસમાં હકીકત આવી સામે
પોતે બચવા માટે સાસુએ પાણીની ટાંકીમાં ઇલેટ્રીક મોટર ફેંકીને પાણીમાં કરંટ આપ્યો હતો. જેથી વહુનું મોત કરંટ લાગવાથી થયુ હોવાનું સામે આવે. જોકે પોલીસની તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થયું.
બે વર્ષ પહેલા વીણાબેનના પુત્રના થયા હતા પહેલા લગ્ન
કણભા પોલીસે પુત્રવધુની હત્યા કરનાર સાસુ વીણાબેનની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે, આશરે બે વર્ષ પહેલા વીણાબેનના પુત્ર કિશન ડાભીના પહેલા લગ્ન ભાવનાબેન સાથે થયા હતા. જોકે તેમની વચ્ચે મનમેળ ન હોવાથી તે પોતાના પિયર જતી રહી હતી અને ભાવનાબેનને તેમના પિયર પક્ષ વતી સાત વીઘા જમીનમા ભાગ પણ મળવાનો હતો.
જો કે તે પહેલા જ કિશન મિત્તલ સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા. તેથી ભાવનાબેનના લગ્નમાં કરિયાવરમાં આવેલા ત્રણ સોનાની લગડી અને જમીનનો ભાગ જતો ન કરવો પડે તે માટે સાસુ વીણા બેને હત્યાનું કાવતરું ઘડી હત્યાને અંજામ આપ્યો અને તેને અકસ્માતમાં કપાવવાની કોશિશ કરી.
પુત્રવધુની હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે સાસુ વીણાબેન મોડી સાંજે તેને શોધવા પણ નીકળ્યા હતા અને ઘરે આવી પુત્રવધુની લાશ જોતા આડોશી પાડોશી અને પરિવારને જાણ કરી, રોકકળ પણ કરી મૂકી હતી. જોકે પોલીસને પ્રથમ દ્રષ્ટિએ આ હત્યા હોવાનું લાગી રહ્યું હતું. જેથી તપાસ કરતા હકીકત સામે આવી અને હત્યારી સાસુની ધરપકડ કરવામાં આવી.