Baroda:બરોડા ડેરીના ચેરમેન પદેથી સતીષ પટેલ (નિશાળીયા)નું 8 માસમાં જ રાજીનામુ; જી. બી. સોલંકી જવાબદારી સંભાળશે
બરોડા ડેરીના ચેરમેન પદેથી સતીષ પટેલ (નિશાળીયા)નું 8 માસમાં જ રાજીનામુ; જી. બી. સોલંકી જવાબદારી સંભાળશે
વડોદરા જિલ્લા સહકારી ક્ષેત્રે અગ્રેસર બરોડા ડેરીના ચેરમેન પદેથી સતીષ પટેલ (નિશાળીયા)એ રાજીનામું આપતા જિલ્લા સહકારી ક્ષેત્રે ચકચાર મચી ગઇ હતી. તેમણે જિલ્લા ભાજપા પ્રમુખની જવાબદારી હોવાના કારણે અને આગામી લોકસભાની ચૂંટણીમાં પ્રદેશ ભાજપા પ્રમુખના વિઝનને પૂરું કરવા માટે રાજીનામુ આપ્યું હોવાનું જણાવ્યું હતું. હવે બરોડા ડેરીના નવા પ્રમુખ કોણ બનશે? તેના ઉપર સૌની નજર છે. જોકે, જ્યાં સુધી નવા પ્રમુખની નિમણૂક ન થાય ત્યાં સુધી ઉપપ્રમુખ જી. બી. સોલંકી કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળશે.
ચેરમેનની જવાબદારી સોંપાઈ હતીઃ સતીષ પટેલ બરોડા ડેરીના ચેરમેન પદેથી રાજીનામુ આપનાર સતીષ પટેલે જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી-2023ના રોજ પ્રદેશ ભાજપા દ્વારા જિલ્લા ભાજપા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. તે બાદ માર્ચ-2023માં અને જુલાઇ-2023માં પણ બરોડા ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં પક્ષ દ્વારા બરોડા ડેરીના ચેરમેન તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.
‘ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી છે. પાર્ટીમાં એક વ્યક્તિ એક હોદ્દો તેમ જવાબદારી નક્કી છે. મને સુચન કરવામાં આવ્યું કે, આપ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અથવા તો બરોડા ડેરીના પ્રમુખમાંથી કોઇ એક પર પસંદગી કરો. હું વર્ષોથી 1994-95 સુધી કરજણ તાલુકાના યુવા મોરચાના મહામંત્રી તરીકે જવાબદારી નિભાવી હતી. ત્યાર બાદ વિવિધ જવાબદારી નિભાવી હતી.
પાર્ટીને જીતાડવા સો ટકા પ્રયત્નો રહેશે’ 18 વર્ષ સુધી સંગઠનમાં કામ કર્યું હોય ત્યારે હું રાજીખુશીથી બરોડા ડેરીમાંથી પ્રમુખ પદેથી રાજુનામું આપું છું. સી. આર. પાટીલનું વિઝન છે કે, તમામ લોકસભા 5 લાખ વધુ મતથી જીતવી છે. મારા ક્ષેત્રમાં 3 લોકસભા બેઠકો આવે છે. તમામને તે રીતે જીતાડવા માટે મારા પ્રયત્નો રહેશે. લોકસભાની ચૂંટણીમાં પૂરોપૂરો સમય આપવા માંગુ છું. તેવા મારા 100 ટકા પ્રયત્નો રહેશે.
આગામી પ્રમુખ પશુપાલકોનું અને સંસ્થાનું હિત જોશે ચેરમેન પદેથી રાજીનામુ આપનાર સતીષ પટેલે (નિશાળીયા) જણાવ્યું હતું. બરોડા ડેરીમાં વર્ષોથી અને 13 ડિરેક્ટરો હોય, વહીવટ કરવા પુરતા પ્રમુખ અને ઉપપ્રમુખ હોય છે. આમ તો, બરોડા ડેરીમાં 13 પ્રમુખ અને 13 ઉપપ્રમુખ છે. તમામ ભેગા મળીને વહીવટ કરતા હોય છે. આગામી સમયમાં પણ પાર્ટી જેને પ્રમુખ બનાવશે તે બધા જ પશુપાલકોનું અને સંસ્થાનું હિત જોશે. ગુજરાતમાં ક્યાં પણ બરોડા ડેરી ભાવ આપવામાં પાછળ નથી.
નવા પ્રમુખ પર સૌની મીટ
ઉલ્લેખનિય છે કે, બરોડા ડેરીના ચેરમેન પદેથી સતીષ પટેલે (નિશાળીયા) રાજીનામું આપી દેતા હવે બરોડા ડેરીના કાર્યકારી પ્રમુખ તરીકે ઉપપ્રમુખ જી.બી. સોલંકી જવાબદારી નિભાવશે. છતાં, આવનાર દિવસોમાં બરોડા ડેરીના નવા પ્રમુખ તરીકે કોણ આવશે તેના ઉપર સૌની મીટ છે.