Borsad:બોરસદમાં માથાભારે શખ્સની દાદાગીરી, પરિણીતાના પિતા ઉપર ચપ્પાં વડે હુમલો કર્યો
બોરસદમાં માથાભારે શખ્સની દાદાગીરી, પરિણીતાના પિતા ઉપર ચપ્પાં વડે હુમલો કર્યો
બોરસદ તાલુકાના વહેરા ગામમાં રહેતાં એક યુવકે પોતાના ઘર નજીક રહેતાં આધેડને તમે તમારી દીકરીના લગ્ન મારી સાથે કેમ કરાવ્યાં નથી તેમ કહીને ઝઘડો કરી, ચપ્પાં વડે હુમલો કર્યો હતો. આ મામલે બોરસદ રૂરલ પોલીસે હુમલાખોર યુવક અને તેની માતા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
બોરસદ તાલુકાના વહેરા ગામમાં આવેલ વાળંદવાળા ફળીયામાં રહેતાં 51 વર્ષીય કનુભાઇ ડાહ્યાભાઇ ધોબી, ધોબીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમા બે દીકરીઓ છે. જે બંને દીકરીઓ પરણાવેલ છે અને તેમની સાસરીમાં રહે છે. તેમછતાં તેમના ઘર નજીક હસનદાસની પોળમાં રહેતો મિતેષ જનકભાઇ પટેલ આ કનુભાઈની નાની પુત્રી સાથે લગ્ન કરવા પાછળ પડ્યો હતો. જેને પગલે કનુભાઈ અને મિતેષ વચ્ચે અવારનવાર ઝઘડા ચાલી રહ્યાં છે. ગઈકાલે પણ તેઓ બન્ને વચ્ચે પણ ઝઘડો થયો હતો.
ગતરોજ મોડી સાંજના સમયે કનુભાઈ અને તેમની પત્ની જાગૃતિબેન પોતાના ઘરમાં બેઠા હતાં. તે વખતે આ મિતેશ જનકભાઇ પટેલ ગમેતેમ અપશબ્દો બોલતાં બોલતાં કનુભાઈના ઘરે પહોંચ્યા હતાં અને તમારી નાની દીકરી સાથે મારા લગ્ન કેમ કરાવ્યાં નથી, તેમ કહી ઝઘડો કરવા લાગ્યાં હતાં. દરમિયાન કનુભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતા, ઉશ્કેરાયેલા મિતેશ પટેલે હાથમાનાં ચપ્પાં વડે હુમલો કર્યો હતો, જેમાં દારીના નીચેના ભાગે ગળા નજીક ચપ્પુ વાગવાથી કનુભાઈ લોહીલુહાણ થયાં હતાં.
આ વખતે કનુભાઈના પત્ની જાગૃતીબેન છોડાવવા વચ્ચે પડ્યાં હતાં. દરમિયાન મિતેશભાઇનું ઉપરાણુ લઇને તેમની માતા ધર્મિષ્ઠાબેન ત્યાં દોડી આવ્યાં હતાં. તેઓએ કનુભાઈને પાછળથી પકડી રાખ્યાં હતાં અને મિતેશભાઇએ ગડદાપાટુનો માર્યો હતો, બુમાબુમ થતાં આસપાસના રહીશો એકઠાં થઈ ગયાં હતાં. તે વખતે મિતેશ જનકભાઇ પટેલ તથા તેની માતા ધર્મિષ્ઠાબેન જનકભાઇ પટેલ આજે તો તમે બચી ગયા છો, ફરીથી તમને છોડીશ નહિ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ઘર તરફ ભાગી ગયાં હતાં. ઈજાગ્રસ્ત કનુભાઈ હાલ સારવાર હેઠળ છે.
આ બનાવ અંગે ઈજાગ્રસ્ત કનુભાઈ ડાહ્યાભાઈ ધોબીની ફરીયાદને આધારે બોરસદ રૂરલ પોલીસે હુમલાખોર મિતેશ જનકભાઇ પટેલ તથા તેની માતા ધર્મિષ્ઠાબેન જનકભાઇ પટેલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.