નડિયાદ: મહેમદાવાદ તાલુકાના માંકવા ગામે વિજાપુર વિસ્તારમાં આવેલી એક પેપર પ્રોસેસિંગની કંપનીમાંથી દૂષિત રસાયણયુક્ત પાણી છોડવામાં આવતાં, આ પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના પાકને પારાવાર નુકસાન થયું છે.

માંકવા ગામના વિજાપુર સીમ વિસ્તારમાં આવેલ દેવાશ્રય નામની કંપનીમાં પેપર પ્રોસેસિંગની કામગીરી થાય છે. કંપનીમાંથી રોજ દૂષિત દુર્ગંધયુક્ત રસાયણવાળા પાણીનો નિકાલ બહાર જ જાહેરમાં કરવામાં આવતા આ પાણી આસપાસના ખેતરોમાં ફરી વળે છે. જેને કારણે ખેડૂતોના પાકને તેમજ જમીનને નુકસાન થઈ રહ્યું હોવાની બુમરાણ ઉઠી છે.
ગુરૃવારે કંપની દ્વારા નળ ખોલી નાખવામાં આવતા કંપનીનું દૂષિત પાણી નજીકના આવેલી ૨૫ થી ૩૦ વીઘા જમીનમાં ઘૂસી ગયું હતું. જેને કારણે ડાંગર સહિતના પાકને નુકસાન થયું હોવાના આક્ષેપો ઉઠયાં છે.
કંપનીમાંથી નીકળતા રસાયણયુક્ત દૂષિત પાણી મામલે સ્થાનિકો તેમજ ખેડૂતો દ્વારા કંપનીના સંચાલકોને વારંવાર રજૂઆત કરવામાં આવી છે. સરપંચ દ્વારા પણ આ બાબતે કંપનીના માલિકને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ હજી સુધી કોઈ પરિણામલક્ષી પગલાં ભરવામાં આવ્યા નથી.
આ ઉપરાંત દિવસ અને રાત્રે કંપનીમાં સતત બોઇલર ચાલુ રહેતું હોવાને કારણે ઘ્વનિ પ્રદૂષણ પણ થતું રહે છે. કંપનીમાંથી નીકળતા ધુમાડાને કારણે હવા પણ પ્રદૂષિત થઈ છે.