Rajkot: મુખવાસ સારો છે કે ભેળસેળવાળો? રાજકોટ આરોગ્ય વિભાગે બતાવેલી ટ્રિક પ્રમાણે કરો પરીક્ષણ
આ ટ્રિકથી ગણતરીની સેકન્ડોમાં જ ખબર પડી જશે કે તમારો મુખવાસ ખાવાલાયક છે કે ફેંકવાલાયક.
રાજકોટ: નવું વર્ષ શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. નવા વર્ષના દિવસે લોકો એકબીજાના ઘરે જતા આવતા હોય છે. આ સમયે પરિવારો જ્યારે એકબીજાના ઘરે આવે તો મુખવાસ મહત્તવનો બની જાય છે. પરંતુ, આ મુખવાસ પણ ચિંતા કરાવશે. કેમ કે, મુખવાસ જ તમારું મો બગાડી શકે છે. રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાંથી એક ટન જેટલો અખાદ્ય મુખવાસનો નાશ કરવામાં આવ્યો છે.
રાજકોટ શહેરની મુખ્ય બજારમાં આરોગ્ય વિભાગની ટીમ ત્રાટકી હતી. અમૃત મુખવાસ નામની દુકાનમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકિંગ કરાયું હતું. આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન એક ટન જેટલો અખાદ્ય મુખવાસ ઝડપાયો હતો. મુખવાસમાં કલર મિક્સ કરતા હોવાનું ખુલ્યું હતું. ત્યારે ન્યુઝ 18 સાથેની વાતચીતમાં આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, આ મુખવાસ છે તેમણે મુખવાસમાં કલર કેવી રીતના મિક્સ કર્યું હોવાનું સામે આવ્યું ત્યાં સુધી ડેમો આપીને બતાવ્યું હતું. જેમાં તેમણે એક પાણી ભરેલી પારદર્શક બોટલમાં મુખવાસ નાંખ્યો હતો. જેમાં ગણતરીની સેકન્ડમાં જ એકદમ ચોખ્ખું પાણી કલર વાળું થઈ ગયું હતું. તો તમે પણ ઘરે લાવેલા મુખવાસનો આ રીતે પરીક્ષણ કરી શકો છો
આરોગ્ય વિભાગના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રકારનો મુખવાસ ખાવાથી લોકોનો ગળું ખરાબ થતું હોય છે તેમજ અન્ય બીમારીઓ પણ થતી હોય છે. ત્યારે નવા વર્ષે લોકોના સત્કાર માટે આપવામાં આવેલો મુખવાસ જ તેમની તબિયત બગડવાનું ક્યાંક કારણ બની જતો હોય છે. હાલ નવા વર્ષને લઈને બજારોમાં અવનવી વેરાઈટીઓના મુખવાસ જોવા મળતા હોય છે તેમાં ઘણી વખત લોકો મુખવાસના ચમકતા કલરને લઈને આકર્ષાઈ જતા હોય છે.
આ આકર્ષિત કલર સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થતો હોય છે. ત્યારે કોઈપણ મુખવાસ ખરીદતા પહેલા તેમની ગુણવત્તા ચકાસવી પણ ખૂબ જરૂરી છે.