સુરતમાં બેંક એકાઉન્ટ ભાડે આપવાને લઇ માથાકૂટ બાદ યુવકનું અપહરણ
સુરતના સરથાણા વિસ્તારમાં ભાડે આપેલ બેંક એકાઉન્ટને નીકળતા રૂપિયાની લેતી-દેતી મામલે યુવકનું સાત જેટલા લોકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસે તાત્કાલિક આ મામલે અલગ-અલગ ટીમો દોડાવી કામરેજ નજીકથી અપહરણકર્તાઓના ચુંગલમાંથી યુવકને સલામ
સુરત: સુરતના સરથાણા વિસ્તારમાં ભાડે આપેલ બેંક એકાઉન્ટને નીકળતા રૂપિયાની લેતી-દેતી મામલે યુવકનું સાત જેટલા લોકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસે તાત્કાલિક આ મામલે અલગ-અલગ ટીમો દોડાવી કામરેજ નજીકથી અપહરણકર્તાઓના ચુંગલમાંથી યુવકને સલામત મુક્ત કરાવી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યાં સરથાણા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ આર્થિક નાણાકીય વ્યવહારો માટે ભાડે આપવામાં આવતા બેંક એકાઉન્ટની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ સિલ્વર ચોક નજીકથી બાઇક પર આવેલ સાત જેટલા લોકો દ્વારા ચિરાગ માંગુકિયા નામના યુવકનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ ચિરાગ માંગુકિયાના સંબંધી દ્વારા સરથાણા પોલીસને કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ધોરણે આ મામલે અલગ-અલગ ટીમો બનાવી અપહરણકર્તાઓના ચુંગાલમાંથી યુવકને મુક્ત કરાવવા તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે સરથાણા પોલીસની ટીમ દ્વારા અપહ્યત ચિરાગ માંગુકિયાને કામરેજ નજીક આવેલા દાદા ભગવાનના મંદિર નજીકથી અપહરણકર્તાઓના ચુંગાલમાંથી મુક્ત કરાવી ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. જે તમામની ધરપકડ કરી વધુ તપાસ સરથાણા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.