Loksabha Election 2024: શનિવારે ચૂંટણી પંચ જાહેર કરશે લોકસભા ચૂંટણી 2024ની તારીખો, જાણો વિગત
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા શનિવારે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણી પંચ શનિવારે બપોરે ત્રણ કલાકે પત્રકાર પરિષદ યોજી લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર કરશે. ચૂંટણી પંચે આ માહિતી આપી છે. લોકસભાની સાથે કેટલીક રાજ્ય વિધાનસભાની ચૂંટણી પણ જાહેર કરવામાં આવી શકે છે. ચૂંટણી પંચ સાત કે આઠ તબક્કામાં લોકસભાની ચૂંટણીનું આયોજન કરાવી શકે છે. ચૂંટણી પંચ દ્વારા શનિવારે બપોરે 3 કલાકે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે.
લોકસભા ચૂંટણીની થશે જાહેરાત
કેન્દ્રીય ચૂંટણી પંચે આપેલી માહિતી પ્રમાણે ચૂંટણી પંચ દ્વારા શનિવારે બપોરે 3 કલાકે પત્રકાર પરિષદ યોજવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી 2024 સાથે કેટલીક વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવશે. જેમાં ઓડિશા, આંધ્ર પ્રદેશ અને અરૂણાચલની વિધાનસભા ચૂંટણી સામેલ છે. ચૂંટણી પંચ દ્વારા મતદાનની તારીખની સાથે ચૂંટણી પરિણામની પણ જાહેરાત કરવામાં આવશે.
ચૂંટણી પંચને મળ્યા નવા બે ચૂંટણી કમિશનર
ચૂંટણી પંચમાં બે નવા ચૂંટણી કમિશનરની નિમણૂંક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી હતી. પૂર્વ નોકરશાહ જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધૂએ આજે ચૂંટણી કમિશનર તરીકે પોતાનો પદભાર સંભાળી લીધો છે.
સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે, એક પ્રવક્તાએ જણાવ્યું કે જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધૂનું સ્વાગત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આવા ઐતિહાસિક સમય પર તેમની નિમણૂંકના મહત્વ વિશે વાત કરી કે જ્યારે ચૂંટણી પંચ લોકસભા ચૂંટણી યોજવાની તૈયારી કરી રહ્યું છે. અનૂપ ચંદ્ર પાન્ડે 14 ફેબ્રુઆરીએ નિવૃત્ત થતા અને આઠ માર્ચે અરૂણ ગોયલના અચાનક રાજીનામા બાદ ચૂંટણી પંચમાં બે પદ ખાલી થયા હતા.
છેલ્લી 10 માર્ચે થઈ હતી ચૂંટણીની જાહેરાત
છેલ્લે 2019માં લોકસભા ચૂંટણીની તારીખ 10 માર્ચે જાહેર થઈ હતી. લોકસભા ચૂંટણી 2019નું આયોજન 11 એપ્રિલથી 19 મે વચ્ચે કરાવવામાં આવ્યું હતું. 2019ની ચૂંટણીમાં 67.1 ટકા મતદાન થયું હતું. તો 23 મેએ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. આ વખતે લોકસભા ચૂંટણીમાં આશરે 97 કરોડ લોકો મત આપશે. પંચે દાવો કર્યો છે કે આ વખતે ચૂંટણીમાં કરપ્શન પર પ્રતિબંધ લગાવવા માટે ઘણા પગલા ભરવામાં આવશે