કેસર કેરીના રસિયાઓ…. અમદાવાદમાં સસ્તી અને સારી કેરી ખાવી હોય તો નોંધી લો આ તારીખ
કેરીની સિઝન શરૂ થયા બાદ પણ અમદવાદીઓને ફળ માટે રાહ જોવી પડશે. જોકે, હાલ આવતી કેરીનું ફળ બહું નાનું જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત, ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
અમદાવાદ: ફળોના રાજા કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે, પરંતુ અમદાવાદીઓએ સારી કેરી ખાવી હોય તો હજુ પણ રાહ જોવી પડશે. અમદાવાદના નરોડા ફ્રુટ માર્કેટમાં વલસાડ, રત્નાગીરી અને જૂનાગઢ વંથલીની કેરી આવી ગઈ છે. શહેરમાં અલગ અલગ વિસ્તારમાં પહોંચતી કરવા માટે સારી રીતે પેકિંગ પણ થઈ રહ્યું છે.
આ કેરી સિઝનની પહેલાની છે. નરોડા ફ્રુટ માર્કેટના ચેરમેનના કહેવા પ્રમાણે, હજુ સારી કેરી માટે રાહ જોવી પડશે, અત્યારે જે કેરી મળી રહી છે તેનો ભાવ 1000 રુપિયાથી લઈને 1200 રૂપિયા છે.
કેરીની વિવિધ જાતો પ્રમાણે ભાવ અલગ અલગ હોય છે, જિલ્લામાં કેરીની મુખ્યત્વે ઉનાળાની શરૂઆત સાથે ગીરગઢડા, જુનાગઢની કેસર, હાફુસની આવક થઈ રહી છે. જ્યારે ટંકારા, કચ્છ, ધરમપુર વલસાડથી પણ કેરીની આવક થાય છે. સામાન્ય રીતે માર્ચ મહિનાની શરુઆતથી સિઝન શરું થતી હોય છે અને મેના અંત સુધી ચાલતી હોય છે. આ વર્ષ કમોસમી માવઠાના કારણે કેરીના પાકને અસર થઈ છે, જેના કારણે માલ ઓછો આવતા ભાવ વધારો થયો છે.
હાલ દરરોજ બે ટ્રક આવી રહી છે. જેમ જેમ ઉનાળો આગળ વધે અને ગરમી વધુ પડે તેમ માંગ વધતી રહેશે. કેસર, રત્નાગીરી, હાફૂસ, બદામ, લાલબતી, તોતા, લંગડો, પાયરી પ્રકારની કેરીની આવક થઈ રહી છે, પરંતુ આવક સામે મોંઘવારીના દર પ્રમાણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીના ભાવમાં વધારો થયો છે. બીજી તરફ હાલ જે કેરી મળી રહી છે, તેનું ફળ હજુ નાનું છે, એટલે હજુ પણ કેરી સારી ખાવા માટે અમદાવાદીઓએ રાહ જોવી પડશે.
જણાવી દઈએ કે, 15 એપ્રિલ બાદ બજારમાં સિઝનની સારી કેરી મળવા લાગશે. જેના માટે અમદાવાદીઓએ રાહ જોવી પડશે. આ વર્ષે કેરીના બોક્સ 500 રૂપિયાથી લઈને 800 રૂપિયા સુધીના ભાવમાં વેચાશે, પરંતુ આ ભાવ સાથે સારી કેરી ખાવા માટે હજુ રાહ જોવી પડશે.