વડોદરાના યુવાનનો એવો તે કેવો શોખ, ભિખારીની જેમ ફૂટપાથ પર ગાળે છે જીવન
મૂળ વડોદરાનો યુવાન જે બ્રિટિસ્ટ નાગરિકતા ધરાવે છે. સુખી પરિવારમાંથી હોવા છતાં તે વડોદરા શહેરમાં ફૂટપાથ પર ભિખારીની જેમ જીવન પસાર કરે છે.
વડોદરા: એક ભાઈ સારા પરિવારના હોય તેવા દેખાય છે, તેઓ પરિવારથી ભૂલા પડ્યા છે, છેલ્લા 10 દિવસથી રસ્તા પર બેગ લઈ તૈયાર થઈ બેસે છે, તમે તેમને મદદ કરો…એક અજાણ્યા નંબર પરથી ફોન કોલ આવતા જ શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવ ઠક્કર આ ભાઈ પાસે પહોંચે છે. બ્રિટિશ નાગરિકતા ધરાવતા યુવાનને તેના પરિજનો સુધી પહોંચાડવાની દિશામાં પ્રથમ ડગ માંડી કામગીરી શરૂ કરે છે.
શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવ ઠક્કરે જણાવ્યું કે, 15 દિવસ પહેલા અજાણ્યા વ્યક્તિનો ફોન આવતા હું અને શ્રવણ સેવક દિગંત રેસકોર્સ રોડ પર પહોંચી ગયા હતા. દૂરથી મજબૂત બાંધાનો દેખાતો શખ્સ લાંબા વાળ અને દાઢી સાથે રોડસાઈડ પર બેસેલો હતો. અને તેની આજુબાજુમાં અલગ અલગ બેગ પડી હતી. તે આવતા-જતા લોકોને જુએ છે, પણ કઈ બોલતો નથી, કઈ માંગતો નથી. એટલે હું તેની પાસે જઈ કહું છું, ભાઈ તમે ક્યાંથી છો? શું નામ છે તમારું, હું તમારી કોઈ મદદ કરી શકું ! પહેલીવારમાં તે મને ઇગ્નોર કરે છે. એટલે હું તેના થોડાક નજીક જઈને ફરી તેને પૂછું છું….પછી તે તમામ સવાલોના જવાબ બ્રિટિશ ઇંગ્લીશ ભાષામાં આપે છે.
વધુમાં જણાવ્યું કે, મારા સાથી સાથેની વાતમાં તે પોતાનું નામ જણાવતા તે ગલ્લા-તલ્લા કરે છે, પછી મહામહેનતે તે અમિત પટેલ હોવાનું જણાવે છે, અને તેની પાસે કોઈ ઓળખ પુરાવો માંગતા તે લાલ કલરનો બ્રિટિશ પાસપોર્ટ બતાવે છે. એક બ્રિટિશ નાગરિકત્વ ધરાવતા શખ્સ આ રીતે મળી આવતા અમે બંને વિચારમાં મુકાઈ ગયા હતા. અમિત પટેલ અહીંયાંથી જવા માટે તૈયાર ન હોવાથી અમે પોલીસનો સંપર્ક કરીએ છીએ. અને પોલીસની મદદથી અમિત પટેલને રહેવાની વ્યવસ્થા કરી આપીએ છીએ. બીજા દિવસે અમિતની ખબર કાઢવા અમે તેના ઠેકાણે ગયા તો તે ગાયબ હતો. ત્યાંથી અમે જાણ્યું કે અમિતને રોડ પર રહેવું છે, તેને કોઈ ઠેકાણું જોઈતું નથી.
પછી અમે પરત જ્યાંથી અમિત પટેલને રેસ્ક્યુ કર્યો ત્યાં રેસકોર્સ પહોંચીએ છીએ, ત્યાં અમિત પહેલાની જેમ સમાન આસપાસ બિછાવીને બેઠેલો દેખાય છે. આ વખતે તેમને જોતા જ બબડવાનું શરૂ કરી દે છે. અને હું તેના નજીક ના જાઉં તે માટે દૂરથી નો નો નો… કહે છે. ફરી પોલીસની મદદ લીધી અને સાથે જ અમિત પટેલને તબીબી સહાયની જરૂર જણાતા તેમની પણ મદદ લેવામાં આવી.
હવે સરકારી હોસ્પિટલમાં તેનું કાઉન્સિલિંગ શરૂ કરવામાં આવ્યું. જ્યાં એક્સપર્ટ ડોકટર્સ તેને બધું પૂછે છે, અને તે બધું જ કહે છે. જે કોઈ જાણતું નથી. તે દરમિયાન અમિત પટેલના વડોદરામાં રહેતા સ્વજનની ભાળ મળી જાય છે. તેમની જોડે વાતમાં ખબર પડે છે કે, અમિત પટેલ સ્ટેટસ્ટિકમાં ડિગ્રી ધરાવે છે, અને ભણેલો-ગણેલો છે, પણ તેને વડોદરામાં બેઘર અને લાચાર બની ફૂટપાથ પર જીવન વ્યતીત કરવાનું ઘેલું લાગ્યું છે, જેથી તેનું હોટેલમાં બુકીંગ હોવા છતાં તે રોડ પર લાચાર જીવન જીવે છે.
બીજા દિવસે તેમના સ્વજનને મળતા તે જણાવે છે કે, અમિત પટેલના એક વર્ષના વિઝા સાથે તે અહીંયા આવે છે, તેનું હોટેલમાં મહિનાનું બુકિંગ પણ થાય છે, શરૂઆતમાં થોડાક દિવસ તે સ્ટેશન વિસ્તારની હોટલમાં રહે છે, ત્યાં સ્વજનો તેને મળે પણ છે. પછી અમિત અચાનક કોઈના પણ ફોન રિસીવ કરવાનું બંધ કરી દે છે, અને ત્યાર બાદ રોડ પર આવી જતા ન મોટા ભાગે તેનો ફોન સ્વીચ ઓફ બતાવે છે. બીજી બાજુ તેના સ્વજનો પણ તેની શોધખોળ કરતા હોય છે. આખરે શ્રવણ સેવા ફાઉન્ડેશન, વડોદરા પોલીસ અને હોસ્પિટલ સ્ટાફના પ્રયાસોથી આ શક્ય બન્યું છે.
હાલમાં અમિત પટેલને પાછો લંડન મોકલી દેવામાં આવ્યો છે. તેના વ્યવહાર-વર્તનમાં 80 ટકા જેટલો સુધારો જોવા મળ્યો છે. અમે કોઈનું જીવન બદલવામાં એક નાનકડી મદદ કરી શક્યા તેનો આનંદ છે, સંસ્થા દ્વારા છેલ્લા 3 વર્ષથી ફૂટપાથ પર જીવન વ્યતીત કરવા મજબુર નિઃસહાય વૃદ્ધોને સ્વાદિષ્ટ ભોજન સેવા પૂરી પાડવામાં આવે છે. સાથે જ ચક્ષુ દિવ્યંગજનોને આત્મનિર્ભર બનાવવાની સાથે જ્યાં જરૂરિયાતમંદ જણાય ત્યાં અમે સહાયરૂપ થઈએ છીએ.