ક્ષત્રિય મહાસંમેલનના અંતે કરણસિંહ ચાવડાએ કરી જાહેરાત, 19 તારીખ સુધીમાં ફોર્મ પરત નહીં લે તો
રાજકોટના રતનપરમાં મળેલા ક્ષત્રિયોના મહાસંમેલનને અંતે કરણસિંહ ચાવડાએ મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યુ કે રૂપાલા 16 તારીખે ફોર્મ ભરવાના છે જે તેઓ 19 એપ્રિલ સુધીમાં પાછુ નહીં લે તો અમે.....
રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય મહાસંમેલન મળ્યુ હતુ, આ સંમેલનના અંતે રાજપૂત સંકલન સમિતિના કરણસિંહ ચાવડાએ જાહેરાત કરી કે ક્ષત્રિય સમાજે ભાજપને 19 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપ્યુ છે. જો રૂપાલા 19 તારીખ સુધીમાં ફોર્મ પરત નહીં ખેંચે તો આંદોલનનો બીજો તબક્કો શરૂ થશે. બીજા તબક્કાની રણનીતિ અંગે સંકલન સમિતીએ નિર્ણય કર્યો છે, જે સમય આવ્યે જાહેર કરવામાં આવશે.
કરણસિંહ ચાવડાએ જણાવ્યુ કે હવે ભાજપના હાઈકમાન્ડને કહેવા માગુ છુ કે હવે પાર્ટ 1 પુરો થયો અને અમે દડો ફેંક્યો તમારા ખોળામાં, અને તમને 19 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપીએ છીએ. એટલા માટે કે 16 તારીખે ફોર્મ ભરેલુ હોય તો 19 તારીખે પાછુ ખેંચી શકાય. આથી આટલો મોટો સમાજ અને ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે કે વ્યક્તિથી મોટુ દળ અને દળથી મોટો દેશ તો રૂપાલા તમે દેશથી મોટા નથી. સમાજથી મોટા નથી, એ કહેવા માગુ છુ.
આ તરફ વધુ એક ક્ષત્રિય આગેવાને જણાવ્યુ કે આપણે કાયદાની મર્યાદામાં રહીને શિસ્તબદ્ધ રીતે કરવાનું છે. વધુમાં તેમણે કહ્યુ કે જિલ્લા લેવલે, તાલુકા લેવલે તમામ પ્રોગ્રામો સ્વયંભુ ચાલે છે. કોઈ પૂર્વઆયોજિત લડત નથી. સ્વયંભુ લડત છે અને એક એક ક્ષત્રિયની લાગણી ઘવાઈ છે આથી એક એક ક્ષત્રિયો આ લડત લડી રહ્યા છે.
બીજી તરફ ક્ષત્રિય મહિલા આગેવાન તૃપ્તિબા રાઓલે ક્ષત્રિયોને અપીલ કરી કે સમાધાન માટે પણ ક્ષત્રિયોને આગળ કરવામાં આવે છે. તો એમની કોઈક મર્યાદા આવતી હોય બાકી તેમનુ ગૌત્ર તો આ જ છે. જે આપણુ છે. લોહી તો એમનુ પણ ઉકળતુ હોય પરંતુ આપણે એમના હોદ્દાની મર્યાદા જાળવશુ.