વડોદરામાં ઉધારે આપેલા રૂપિયા માંગતા થઇ હત્યા, ક્રાઇમ પેટ્રોલ જોઇને ઘડ્યો ખૂની પ્લાન
‘પોલીસે તપાસ શરૂ કરતાં સતીશ વસાવા સાથે છેલ્લે મૃતક હોવાની માહિતી મળી. જેમાં સતીશની પૂછપરછ કરતાં તેને પોલીસ સમક્ષ ખોટી સ્ટોરી બનાવી ગોળ ગોળ ફેરવી હતી. જેમાં મૃતક જૈમીનને કોઇ યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાથી ભાગી ગયો હોવાની ખોટી સ્ટોરી પોલીસને કહી.’
હાર્દિક દીક્ષિત, વડોદરા: કોઈને ઉધાર રૂપિયા આપતાં પહેલા હજારવાર વિચાર કરજો નહીં તો તમને પૈસાને બદલે મોત પણ મળી શકે છે. વડોદરામાં પ્રાઇવેટ ફાઇનાન્સરે જીમ ટ્રેનરને આપેલા ઉધાર રૂપિયાની ઉઘરાણી કરતાં તેને મોતને ઘાટ ઉતારી દેવાયો છે. આરોપીએ હત્યા કરતાં પેહલા ટીવી સીરિયલ ક્રાઇમ પેટ્રોલ પરથી હત્યા કરવાથી લઇ પુરાવાનો નાશ કરવા સુધીની તાલીમ પણ લીધી હતી. હાલમાં પોલીસે આરોપી માતા પુત્રને કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરાના મકરપુરામાં રહેતો યુવાન જૈમિન પંચાલ પ્રાઇવેટ ફાયનાન્સનો વ્યવસાય કરતો હતો. આ સાથે સરકારી અને ખાનગી કોન્ટ્રાક્ટ લઈને કામ પણ કરતો હતો. જૈમિન પંચાલ બોડી ફેક્ટરી નામના જીમમાં કસરત માટે જતો હતો, જ્યાં જીમ ટ્રેનર સતીશ વસાવા સાથે તેનો સંપર્ક થયો. સતીશ વસાવા સાથે જૈમિન પંચાલની ગાઢ મિત્રતા થઈ, જેથી સતીશ વસાવાએ જૈમિન પંચાલ પાસેથી દોઢ લાખ રૂપિયા ઉધાર લીધા હતા. જે રૂપિયાની ઉઘરાણી વારંવાર જૈમિન પંચાલ કરતાં સતીશ વસાવાએ તેની હત્યાનો પ્લાન ઘડ્યો. આરોપી સતીશ વસાવાએ હત્યા કરવા માટે ક્રાઈમ પેટ્રોલ સિરીયલના અલગ અલગ એપિસોડ જોયા. જેના આધારે 31 માર્ચે બપોરના સમયે આરોપી સતીશ વસાવાએ મૃતક જૈમીન પંચાલને તેના ઘરે બોલાવ્યો. જ્યાં બંનેએ ખુબ દારૂ પીધો ત્યારબાદ આરોપી સતીશ વસાવાએ મૃતકનું ઓસિકાથી ગળું દબાવી તેની હત્યા કરી નાખી. બાદમાં આરોપી સતીશ વસાવાએ તેની માતા સાથે મૃતકની બાઈક પર જ મૃતકની લાશને રાઘુપુરા કુંઢેલા ગામની વચ્ચેથી પસાર થતી માઈનોર કેનાલમાં ફેંકી દીધી.