ચિખોદરાના બિલ્ડર વિરૂદ્ધ 17 લાખની છેતરપિંડીની ફરિયાદ
- બે મકાનનું કામ અધુરું મૂકી બંધ કરી દીધું - નાણાં લઈને મકાનનું બાંધકામ ના કરનાર ન્યુ ભવાની ડેવલપર્સના પ્રોપ્રાઈટર સામે ગુનો નોંધાયો
ચિખોદરા ગામે રહેતા કુસુમદેવી અશોકકુમાર પાંડે વર્ષ-૨૦૨૧માં આણંદની ગણેશ ચોકડી નજીક ભાડેથી મકાનમાં રહેતા હતા. જે-તે સમયે ચિખોદરા ગામમાં નારાયણ કુટિર નામની સોસાયટી બની રહી હોવાનું જાણવા મળતા તા.૨૫-૩-૨૦૨૧ના રોજ તેઓ પરિવારજનો સાથે ચિખોદરા ગામે ગયા હતા.
જ્યાં બિલ્ડર અરવિંદભાઈ ચાવડાએ તેમને મકાનો બતાવી ભાવતાલ નક્કી કર્યા હતા. જેમાં ખુલ્લો પ્લોટ બતાવી બાંધકામ તથા પરવાનગી સહિતના ખર્ચ અંગે વાત થઈ હતી. જે મુજબ બિલ્ડર અરવિંદભાઈ પાસે બાંધકામ કઢાવી તૈયાર મકાન લેવાનું નક્કી થયું હતું અને બે તૈયાર મકાનની કિં.રૂા.૧૭ લાખ નક્કી થઈ હતી.
બિલ્ડરે સોદા મુજબ બધા પૈસા ચુકવી દેશો તેના ત્રણ મહિનામાં બંને મકાનો તૈયાર કરી આપીશું તેમ કહ્યું હતું અને બુકિંગ પેટે રૂા.૧ લાખ લીધા હતા. બાદમાં બિલ્ડરે કુસુમદેવીના ઘરે જઈ બાંધકામના પૈસા ચૂકવી દો તો મકાનના દસ્તાવેજ કરી આપીએ તેમ કહેતા તેણીના પતિએ રૂા.૧૬ લાખ ચૂકવ્યા હતા. બાદમાં બિલ્ડરે તા.૨૩-૪-૨૦૨૧ના રોજ આણંદ સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે બોલાવી વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો અને બંને પ્લોટનો કબજો આપ્યો હતો.
બાદમાં એકાદ મહિના બાદ પ્લોટ ઉપર બાંધકામ શરૂ કર્યું હતું અને ત્રણેક મહિના સુધી છત સુધીનું ચણતર પુરું કર્યું હતું. દરમિયાન કુસુમદેવીને ભાડાનું ઘર ખાલી કરવાનું થતા તેમણે બિલ્ડરને મકાન જલદી તૈયાર કરી આપવા કહ્યું હતું. જેથી બિલ્ડરે નારાયણ કુટિરમાં તૈયાર કરેલું મકાન નં.૧૦ રહેવા માટે આપ્યું હતું અને ત્યારબાદ કુસુમદેવીના બંને મકાનનું બાંધકામ બંધ કરી દીધું હતું. ત્યારબાદ અવારનવાર મકાન તૈયાર કરી આપવામાં કહેતા બિલ્ડરે મકાન બનાવી આપ્યંધ ન હતું અને ધાકધમકી આપી વિશ્વાસઘાત કરતા કુસુમદેવી પાંડેએ આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ન્યુ ભવાની ડેવલપર્સના પ્રોપ્રાઈટર અરવિંદભાઈ ભઈલાલભાઈ ચાવડા વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.