Uncategorized
કપડવંજના દાણા રોડ ઉપર ગેરકાયદે માટી ખનન ઝડપાયું
કેટલા પ્રમાણમાં ખનન થયું તેની તપાસ શરૂ કરાઈ - કબ્રસ્તાનમાંથી ખનન કરેલી માટી ખાનગી જમીનમાં ઠલવાતી હતી ત્યારે દરોડો પાડયો
કપડવંજ : કપડવંજના દાણા રોડ ઉપર કબ્રસ્તાનમાંથી ગેરકાયદે માટી ખનન કરી તે જ રોડ પર આવેલી ખાનગી જમીનમાં ઠલવાતી હતી ત્યારે ખાણ અને ખનીજ વિભાગે દરોડો પાડયો હતા. માટીનું ખનન કેટલા પ્રમાણમાં થયું તે અંગે વિભાગ તપાસ ચલાવી રહ્યું છે.
કપડવંજ ખાતે લાઇન્સ ક્લબથી દાણા રોડ તરફ જતા રસ્તા ઉપર આવેલા કબ્રસ્તાનમાંથી રાત્રીના સમયે માટી ઉલેચી દાણા રોડ ઉપર આવેલી ખાનગી જમીનમાં શંકાસ્પદ માટી ઠલવાતી હતી. જેની જાણ નાયબ કલેકટરે જિલ્લાની ખાણ અને ખનીજ વિભાગને કરતા ટીમ પોલીસ કાફલા સાથે માટી ખનન થતું હોવાના સ્થળે રાત્રે ૧૦ વાગ્યાના સુમારે તપાસ અર્થે ઓચિંતો દરોડો પાડયો હતો. કોઈ પણ મંજુરી વગર કબ્રસ્તાનમાંથી માટી ખનન રોયલ્ટી ભર્યા સિવાય થતું હોવાનું જણાયું હતું. તેમજ ખનન થયેલી માટી દાણા રોડ ઉપર આવેલા કમલેશભાઈ પટેલની જમીનમાં ઠલવાતી હોવાનું ખાણ અને ખનીજ વિભાગના ઇન્સ્પેક્ટર ધવલ શતપુતે જણાવ્યું હતું. ઉપરાંત આ જમીનમાં ઠલવાયેલી માટી ખનન કેટલા પ્રમાણમાં થયું છે તેની યોગ્ય તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરાશે જેની કાર્યવાહી હાલ ચાલુ છે તેમ જણાવ્યું હતું.