જમિયતપુરા સીમમાંથી જીપીસીબીએ 3 કૂવાના પાણીના સેમ્પલ લીધા
– ગ્રામજનોએ મતદાન બહિષ્કાર કરતા કાર્યવાહી
– ડમ્પિંગ સાઈટના લીધે પાણી પ્રદૂષિત બન્યું હોવાની ફરિયાદ : તંત્ર માત્ર દેખાવ પૂરતી કામગીરી કરતું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ
બોડેલી ગ્રામ પંચાયતના જમિયતપુરા સીમમાં ઝેરી કેમિકલ વેસ્ટ ઘન કચરો ડમ્પ કરવાની મોર્યા એન્વાયરો નામની સાઈટ કાર્યરત છે. ઝેરી કેમિકલ વેસ્ટ ઘન કચરાથી આસપાસના ખેતરોના કૂવાઓમાં લાલ કેમિકલ વાળું, દૂષિત અને દુર્ગંધયુક્ત પાણી આવતું હોવાની ફરિયાદ સાથે ડમ્પિંગ સાઈટ બંધ કરાવવા ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરી હતી.
જોકે, સમસ્યાનો ઉકેલ ના આવતા ગ્રામજનોએ લોકસભા ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચિમકી ઉચ્ચારી હતી. જેને લઈ બાલાસિનોર નાયબ કલેક્ટર દ્વારા શરતી હુકમ કરાયો હતો. પરંતુ ડમ્પિંગ સાઈટ કાયમી ધોરણે બંધ ના થતાં ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. ત્યારે ફરીથી જીપીસીબી દ્વારા અજીતસિંહ પરમાર, ભલાભાઈ ડાહ્યાભાઈ અને વજાભાઈ બાબરભાઈના કૂવામાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.આ અંગે ગ્રામજનોએ રોષ ઠાલવ્યો હતો કે, અગાઉ અનેકવાર કૂવાઓમાંથી કેમિકલયુક્ત પાણીના સેમ્પલ લઈ જવાયા હતા અને ટેસ્ટિંગ કરાવ્યા બાદ જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા આ પાણી પીવાલાયક ના હોવાનું જણાવ્યું હતું. તેમછતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી તંત્ર તપાસ કરવાના બહાને નાટક કરતું હોવાનો આક્ષેપ ગ્રામજનોએ લગાવ્યો હતો.
જ્યારે વેસ્ટ કેમિકલ ડમ્પિંગ સાઈટ તા.૨૦ મે સુધી બંધ રાખવા બાલાસિનોર નાયબ કલેક્ટર હિરેનભાઈ ચૌહાણ દ્વારા હુકમ કરાયો છે.