Anand: આણંદમાં એસીબીની ઝાળમાં LCB કોન્સ્ટેબલ ઝડપાયો, પ્રોહિબીશનના ગુનામાં માંગી હતી 70 હજારની લાંચ
આણંદમાં એસીબીની ઝાળમાં LCB કોન્સ્ટેબલ ઝડપાયો, પ્રોહિબીશનના ગુનામાં માંગી હતી 70 હજારની લાંચ
આણંદ શાખામાં ફરજ બજાવતો ASI ઘનશ્યામસિંહ સેનગર એક મહિલા બુટલેગર પાસેથી 70 હજારની લાંચ લેતાં ACB ના હાથે ઝડપાયો છે. જ્યારે, હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ ચૌહાણ ફરાર થઈ ગયો છે. આ અંગે પોલીસે બંને વિરૂદ્ધ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ એલ.સી.બી પોલીસે ગત માસમાં વિદેશી દારૂનું છુટક વેચાણ કરતાં એક મહિલા બુટલેગરને ત્યાં દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યોહતો. પરંતુ, સ્થળ પરથી આ મહિલા બુટલેગર મળી આવી ન હોવાથી તેના વિરૂદ્ધ જે તે વિસ્તારના પોલીસ મથકમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરાવી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ આણંદ એલ.સી.બી શાખામાં ફરજ બજાવતાં એ.એસ. આઇ.ઘનશ્યામસિંહ ઉતમસિંહ સેનગર (હાલ રહે. રંગભુમિપાર્ક, વિધાનગર, તા.જી.આણંદ. મુળ રહે.ભોજરાજપુરા, તા. ગોંડલ, જી. રાજકોટ) અને અ.હે.કો. હિતેશભાઈ જીવાભાઈ ચૌહાણ (હાલ રહે. ખંભોળજ પોલીસ લાઈન, તા.જી.આણંદ. મુળ રહે. સીલી, તા.ઉમરેઠ જી-આણંદ) આ ગુન્હાના કામે હાજર થવા માટે મહિલા બુટલેગરના ઘરે ગયાં હતાં અને ત્યાં મહિલા બુટલેગર પાસે 4 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, રકઝકના અંતે 70 હજાર રૂપિયા લેવાનુ નક્કી કર્યું હતું અને લાંચની આ રકમ તથા એક જામીન લઇ એલ.સી.બી. ઓફીસ આવી જવા જણાવ્યું હતું. જોકે, મહિલા બુટલેગર
લાંચની આ રકમ આપવા માંગતી ન હોવાથી તેણીએ એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. મહિસાગર એ.સી.બીના અધિકારીએ આ મહિલા બુટલેગર પાસેથી સઘળી હકીકત જાણ્યાં બાદ આજરોજ આણંદ એલ.સી.બી કચેરીમાં લાંચનુ છટકું ગોઠવ્યું હતું અને આ મહિલા બુટલેગર પાસેથી લાંચ પેટે 70 હજાર રૂપિયા સ્વીકારનાર એ.એસ.આઈ. ઘનશ્યામસિંહ ઉતમસિંહ સેનગર ને રંગેહાથે ઝડપી લીધો હતો. જ્યારે, અ.હે. કો. હિતેશભાઈ જીવાભાઇ ચૌહાણ આ સમયે કામ અર્થે બહાર ગયેલ અને ત્યાંથી નાસી ગયેલ હોવાથી એ.સી.બીના હાથમાં આવેલ નથી. જેથી એ.સી.બી પોલીસે આ ફરાર અ.હે.કો.હિતેશભાઇ જીવાભાઈ ચૌહાણને પકડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.