આણંદ : આણંદ પાસેના જીટોડીયા ગામે રહેતા એક વેટરનરી ર્ડાક્ટરે એક પરિણીતાને કામે રાખ્યા બાદ તેણીને લલચાવી-ફોસલાવી અલગ-અલગ જગ્યાએ લઈ જઈ અવાર-નવાર શારીરિક અત્યાચાર ગુર્જાયો હોવા અંગે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જીટોડીયા ગામે રહેતા દર્શન ડાહ્યાભાઈ પટેલે અમૂલ ડેરીનું જીટોડીયા વિસ્તારની ગાયો-ભેંસોનું એઆઈનું કામ તેમજ વેટરનરી ર્ડાક્ટરના કામનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો. જેને લઈ ઓનલાઈન ડેટા એન્ટ્રીના કામ માટે એક ૨૩ વર્ષીય પરિણીતાને નોકરી ઉપર રાખ્યા બાદ દર્શન પટેલે દૂધની ડેરીના બદલે તેના જીટોડીયા સ્થિત ગાય-ભેંસના તબેલા ઉપર કામકાજના બહાને લઈ ગયા બાદ શારીરિક અડપલાં કરતો હતો.
બાદમાં દર્શન પટેલે તેણીને અનાજ-કરિયાણું આપી લલચાવી-પટાવી હતી અને તેણીને સામરખા ચોકડી પાસે આવેલ આદર્શ હોટલમાં લઈ જઈ તેણીની મરજી વિરૂધ્ધ શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો. ત્યારબાદ પણ તેણીને અવાર-નવાર નંદેરિયા ગામે લઈ જઈ મરજી વિરૂધ્ધ શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો. બાદમાં દર્શન પટેલે પરિણીતાએ લોન પ્રોસેસ માટે આપેલ ચેકો રીટર્ન કરાવી કેસમાં ફસાવી દેવા સાથે જાનથી મારી નાખવાની ધમકી આપતા પરિણીતા ડઘાઈ ગઈ હતી. આખરે આ સમગ્ર બાબતે પરિણીતાએ આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વેટરનરી ર્ડાક્ટર વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.